વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે.સવારે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સુપ્રત કર્યું હતુ. કોંગ્રેસમાંથી છુટા થઇ સી જે ચાવડા ભાજપમાં જોડાશે.તો ચર્ચા એવી પણ થઇ રહી છે કે આગામી 4 ફેબ્રુઆરીના રોજ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરશે. એવી પણ વિગતો મળી રહી છે કે તેઓ ભાજપની ટિકિટ પર સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.
સી જે ચાવડા ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી 2002માં ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના ઉમેદવાર વાડીભાઈ પટેલને પરાજય આપી તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. જે બાદ 2007ની વિધાનસભા બેઠક પરથી પણ તેઓ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની 3748 મતથી ભાજપના શંભુજી ઠાકોર સામે હાર થઇ હતી.
સી જે ચાવડાની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને 4774 મતથી ભાજપના અશોક પટેલ સામે વિજય મેળવ્યો હતો. સી જે ચાવડા 2019ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જેમાં તેમને કારમો પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 2022માં સી જે ચાવડા વિજાપુર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.