26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવેથી રસ્તાઓ અને બજારોમાં ભારતીય ધ્વજ ગર્વથી લહેરાતા જોવા મળશે.ત્યારે હવે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ભારત સરકારના મંત્રાલયોને ભારતીય ધ્વજ સંહિતાનું કડકપણે પાલન કરવા વિનંતી કરી છે. મંત્રાલયે એક પત્ર જારી કરીને દેશમાં વિવિધ કાર્યક્રમોમાં જનતા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું છે. વઘુમાં કહેવાયુ છે કે કાર્યક્રમ પછી રાષ્ટ્રઘ્વજને જમીન પર ફેકશો નહિ.
ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને આવા ધ્વજનો ખાનગી રીતે નિકાલ કરવો જોઈએ. તમામ સરકારી કચેરીઓને પણ ત્રિરંગાના સન્માન માટે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવવા વિનંતી કરવામાં આવી છે.
મંત્રાલયે પત્રમાં કહ્યું છે કે ભારતીય રાષ્ટ્રધ્વજ આપણા દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. અને તેથી તેનું સન્માન કરવું જોઈએ. રાષ્ટ્રધ્વજ પ્રત્યે સાર્વત્રિક સ્નેહ, આદર અને વફાદારી છે. તેમ છતાં, રાષ્ટ્રધ્વજના પ્રદર્શનને લાગુ પડતા કાયદાઓ, પ્રથાઓ અને પરંપરાઓ અંગે લોકો તેમજ સરકારની સંસ્થાઓ/એજન્સીઓમાં ઘણી વખત જાગૃતિનો અભાવ જોવા મળે છે. એમ મંત્રાલયે જણાવ્યું હતું. તેથી લોકોએ રાષ્ટ્રધ્વજ અંગે જાગૃતિ કેળવવી જોઈએ. તમામ રાજ્યોએ આ માટે પગલાં ભરવા જોઈએ.