ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51,622 વિદ્યાર્થીઓને પદવી ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ – કલામ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અટલ – કલામ ભવનમાં જ આયોજિત દીક્ષાંત સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીએ કહ્યું હતું કે, યુવાનોએ ગભરાવું ન જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જીવનના દરેક પડકારોનો સામનો કરીને આગળ વધવું જોઈએ. જો તમને સફળતા ન મળે તો નિરાશ કે હતાશ થઈ જવાને બદલે મક્કમ મને મુકાબલો કરશો તો સફળતા જરૂરથી મળશે. વધુમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા વિશે તેમણે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટ થકી ગુજરાતે ગ્લોબલ ડેવલપમેન્ટ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ સાથે તેમણે ગુજરાતને લેન્ડ ઓફ ઇનોવેશન પણ ગણાવ્યું હતું અને ગુજરાતના ગ્રીન હાઈડ્રોજન મિશનની પણ સરાહના કરી હતી.
ભારતના બંધારણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, બંધારણના ઘડવૈયાઓએ આપણને જે બંધારણ આપ્યું છે તેમાં 22 ચિત્રો છે, તેમાં આપણી 5000 વર્ષની સાંસ્કૃતિક વારસાની ઝલક છે, સારનાથનું અશોક પ્રતીક છે, ગુરુકુળની પરંપરા છે અને તેનો સૌથી મહત્વનો ભાગ એ છે જેને મૂળભૂત અધિકારો કહેવામાં આવે છે કે જે લોકશાહીનું અમૃત અને લોકશાહી મૂલ્યોનો સાર જેના વિના લોકશાહી અધૂરી છે. આ મૂળભૂત અધિકારના લખાણની ઉપરનું ચિત્ર રામ, સીતા અને લક્ષ્મણનું છે એટલે કે રામ, સીતા અને લક્ષ્મણ આપણા બંધારણનો ભાગ છે તેવું એમણે કહ્યું હતું.
તો આ તરફ ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દીક્ષાંત સમારોહ એ શિક્ષાંત સમારોહ નથી. વિદ્યાર્થીઓએ જીવનભર શીખતા રહેવું જોઈએ. જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતા રહેવું જોઈએ. એટલું જ નહીં, પોતાના જ્ઞાનને લોક કલ્યાણમાં જ્યાં આવશ્યકતા હોય ત્યાં વહેંચતા રહેવું જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમૃતકાળમાં આ દેશના યુવાનો વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરે. જે ક્ષેત્રમાં કામ કરતા હોવ તે ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે યુવાનો કામ કરે એ સમયની માંગ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો અમૃતકાળ પ્રવેશ અને ગુજરાત યુનિવર્સિટીના અમૃત મહોત્સવ બેયના સુયોગથી ૭૨મો પદવિદાન સમારોહ વધુ ગરિમામય બન્યો છે. તેમણે પદવી પ્રાપ્ત કરનારા યુવા છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાપેલી આ યુનિવર્સિટી આજે વિશાળ વટ વૃક્ષ બની છે.
આ ૭૨મા પદવીદાન સમારોહ દરમિયાન બે એમઓયુ કરવામાં આવ્યા જેમાં પ્રથમ એમઓયુ વિમેન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે તેમજ દ્વિતીય એમઓયુ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નવા સંસદ ભવનની મુલાકાતને લઈને કરવામાં આવ્યા હતા.