22 જાન્યુઆરી 2024 આ તારીખની કરોડો લોકોને આતુરતા હતી. કારણકે 500 વર્ષ બાદ રામ આવવાના હતા. જી હા રામભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. રામલલા આખરે અયોધ્યામાં સ્થાયી થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના સરસંઘ ચાલક મોહન ભાગવત મુખ્ય યજમાન હતા. તેમના દ્વારા ભગવાનના બાળ સ્વરૂપને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પવિત્ર કરવામાં આવ્યું હતા. આ પછી પીએમ મોદીએ રામલલાની આરતી કરી હતી. અને આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ ગર્ભગૃહમાં જોવા મળ્યા હતા. 84 સેકન્ડના અદ્ભુત યોગમાં રામલલાનો અભિષેક થયો હતો.આ દરમિયાન રામલલાની મૂર્તિની ખૂબ જ ખાસ તસવીરો સામે આવી છે. અને એજ ક્ષણે વિશ્વ આખુ અંજાઇ ગયુ… રામલલાની મનમોહક ,અદભૂત મૂરત નિહાળી કરોડો લોકો ભાવ વિભોર થયા…અને બસ પોતાના રામની રામ લલાની તસ્વીરને મનમાં વસાવી લીધી…તસવીરમાં રામલલા કપાળ પર તિલક સાથે ખૂબ જ નમ્ર મુદ્રામાં જોવા મળે છે..આભૂષણો અને વસ્ત્રોથી સજ્જ રામલલાના ચહેરા પર ભક્તોને મોહી લેતું સ્મિત દેખાય છે. તેમણે કાનમાં બુટ્ટી અને પગમાં કડા પહેર્યા છે. મૂર્તિની નીચે આભામંડળમાં ચાર ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની નાની નાની મૂર્તિઓની પૂજા કરવામાં આવી છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવવિભોર થયા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણા રામ આવી ગયા છે. સદીઓની રાહ પછી આપણા રામ આવ્યા છે. આ શુભ અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન. મારો કંઠ અવરૂધ્ધ છે, મારું શરીર ધ્રુજી રહ્યુ છે, ચીત હજી પણ તે ક્ષણોમાં લીન છે. વધુમાં તેમણે કહયુ આપણા રામલલા હવે તંબુમાં નહીં રહે, હવે રામલલા દિવ્ય મંદિરમાં રહેશે. સદીઓની પ્રતિક્ષા બાદ આપણા રામ આવ્યા છે. ત્યાગ અને તપસ્યા પછી આપણા રામ આવ્યા છે. સાંભળો વધુમાં શું કહ્યુ પીએમએ…
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના યજમાન રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે આજે અયોધ્યામાં રામલલા સાથે ભારતનું સ્વ પરત ફર્યુ છે. આ કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે સમગ્ર વિશ્વને દુર્ઘટનામાંથી રાહત આપનારૂં ભારત ફરી ઉભું થશે. આપણે આ ગૌરવશાળી ભારતના બાળકો છીએ.
રામ લલ્લાના અભિષેક બાદ રામ મંદિર પહોંચેલા લોકોને સંબોધિત કરતા સીએમ યોગીએ કહ્યું કે આ ‘રાષ્ટ્ર મંદિર’ છે. નિ સંદેહ શ્રી રામલલા વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાએ રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક પ્રસંગ છે. તેમણે વધુમાં કહ્યું કે અમે સંતુષ્ટ છીએ કે જ્યાં મંદિર બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું ત્યાં જ મંદિરનું નિર્માણ થયું છે. સાથે જ યોગીએ એમ પણ કહ્યુ કે રામની કૃપાથી હવે શ્રી અયોધ્યા ધામની પારંપરિક પરિક્રમામાં ક્યારેય કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં. અહીંની ગલીઓમાં ગોળી નહીં ચાલે, સરયૂજી લોહીથી રંગાયેલા નહીં હોય. શ્રી અયોધ્યા ધામમાં કર્ફ્યુનો કહેર નહીં હોય. અહીં ઉજવણી થશે. રામનામ સંકિર્તન ગુંજી ઉઠશે.
મહત્વનું છે કે પીએમ મોદીએ કમળના ફૂલ સાથે ભગવાન રામની પુજા કરી હતી. અંતમાં પીએમ મોદીએ રામ લલ્લાના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. બાદમાં જ્યારે પીએમ મોદી કાર્યક્રમના મંચ પર પહોંચ્યા ત્યાં તેમણે 11 દિવસના વિશેષ અનુષ્ઠાન વ્રત તોડ્યુ હતુ. નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદ ગિરીજી મહારાજે પીએમ મોદીને ચમચીથી પાણી પીવડાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે અયોધ્યામાં રામ મંદિર પરિસર પર સતત પુષ્પોની વર્ષા કરી હતી. જે જોતા આહલાદક નજારો છવાયો હતો.