અયોધ્યામાં રામલલાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ હવે આજથી ભક્તોની ભારે ભીડ જોવા મળશે. ત્યારે તેમની દરરોજ આરતી અને પુજા વિધી કરવામાં આવશે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તેમા ફેરફાર કરવામાં આવ્યા છે. દિવસ દરમ્યાનની પધ્ધતિસર સમયસારણી નક્કી કરવામાં આવી છે. હવે રામલલાની 24 કલાકના 8 પ્રહરમાં અષ્ટ્યામ સેવા કરવામાં આવશે. આ ઉપરાંત છ વખત રામલલાની આરતી ઉતારવામાં આવશે. આરતીમાં હાજરી આપવા માટે પાસ આપવામાં આવશે. અત્યાર સુધી રામલલા વિરાજમાનની બે વખત આરતી થતી હતી.
રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશનંદિની શરણે કહ્યું કે, હવે રામલલાની મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા તથા શયન આરતી થશે. શક્ય છે કે પૂજારી પોતે ઉત્થાપન આરતી કરે અને પછી દર્શન માટે પડદો ખોલે. આ અંગે ટ્રસ્ટ જ જાહેરાત કરશે.
ઉત્થાપન આરતી વખતે રામલલાની ઉતારાશે નજર
મંગળા આરતી ભગવાનને જગાડવા માટે થાય છે. તેઓને શ્રૃંગાર આરતીમાં શણગારવામાં આવે છે. ભોગ આરતીમાં પુરી-શાક અને ખીરનો ભોગ લગાવવામાં આવે છે. રામલલાની નજર ઉતારવા માટે ઉત્થાપન આરતી કરવામાં આવે છે. સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે. અને પછી ભગવાનને સૂવડાવવા પહેલા શયન આરતી કરવામાં આવે છે.
બપોરે દર કલાકે ભોગ પીરસવામાં આવશે
બપોરે પુરી-શાક, રબડી-ખીરના ભોગ ઉપરાંત દર કલાકે રામલલાને દૂધ,ફળો અને પેંડા પણ ચઢાવવામાં આવશે. રામ લલ્લાના વાઘા એટલે કે વસ્ત્રોની વાત કરીએ તો સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે ક્રીમ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી પહેરશે. અને હા…વિશેષ દિવસોમાં રામલલા પીળા વસ્ત્રો ધારણ કરશે.
સવારે 6:00 વાગ્યાથી દર્શન થશે
નવા મંદિરમાં સવારે 3:30 થી 4:00 વાગ્યે પૂજારી રામલલાને મંત્રોચ્ચારથી જગાડશે. ત્યારબાદ મંગળા આરતી થશે. શ્રૃંગાર આરતી સાંજે 5:30 કલાકે કરાશે. અને સાંજે 6 કલાકે દર્શન શરૂ થશે. બપોરે મધ્યાહ્ન ભોગ આરતી થશે.બપોર પછી ભગવાનના શયનના સમયે ઉત્થાપન ઉપરાંત સાંજની આરતી અને શયન આરતી થશે. આ પહેલીવાર હશે જ્યારે રામ લલ્લાની ભોગ તથા સેવા તમામ વિધી વિધાનથી પદ્ધતિસર કરવામાં આવશે. રામલલાનો બાકીનો અભિષેક 40 દિવસ સુધી દરરોજ થશે. કલાકારો 60 દિવસ સુધી સ્વરાંજલિ આપશે.