આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમ્યાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની યાત્રાને ગુવાહાટીના મુખ્ય માર્ગો પરથી પસાર થવા દેવાની ના પાડી દીધી છે. પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મુખ્યમંત્રી હિમંતાએ આ પગલું ભર્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મેઘાલયથી આસામમાં પ્રવેશવા જઈ રહી છે. તે સમયે રાહુલની મુલાકાતને લઈને આસામમાં તણાવ ઉભો થયો છે. કોંગ્રેસના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ રાહુલ ગાંધીના આસામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ પછી કોંગ્રેસે આસામ સરકાર પર ભારત જોડો ન્યાય યાત્રામાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ સોમવારે એક દિવસ પહેલા ગુવાહાટી નજીક વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. યોજનાની ઘોષણા થયા પછી તરત જ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલને આગ્રહ કર્યો કે તે અયોધ્યામાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પહેલા મંદિરમાં ના જાય. મંદિરની પ્રબંધન સમિતિએ એમ પણ કહ્યું કે શ્રી ગાંધીને બપોરે 3 વાગ્યા પહેલા પ્રવેશ આપવામાં આવશે નહીં. કોંગ્રેસના નેતા અને તેમના સાથે જોડાયેલા લોકોને મંદિર તરફ જતા રોકવામાં આવ્યા હતા. આ પછી તેઓ ત્યાં જ રોડ પર બેસી જઇ હડતાળ કરી હતી.