અયોધ્યામાં રામમંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયુ છે. ત્યારે આજથી રામલલાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. જેને ધ્યાનમાં રાખીને યુપીના મુખ્ય સચિવ,સંજય પ્રસાદ અને વિશેષ ડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમાર ભક્તોની સુવ્યવસ્થિત અવરજવર પર નજર રાખવા માટે મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા.
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના બીજા દિવસે મંગળવારે લગભગ 2.5 લાખથી 3 લાખ ભક્તોએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા છે. અને એટલી જ સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ સતત દર્શન કરી શકે તે માટે સ્થાનિક પ્રશાસન તમામ વ્યવસ્થા કરી રહ્યું છે. અને સ્થિતિ નિયંત્રણમાં છે.
તો આ તરફ ભક્તોની ભીડને લઇને અયોધ્યા મંદિર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ સમાચાર છે કે અયોધ્યા આવનારી તમામ બસોને રોકી દેવામાં આવી છે. મંદિર તરફ જતા રસ્તાઓ ચારથી પાંચ કિલોમીટર અગાઉથી બંધ કરી દેવામાં આવ્યા છે. ભક્તોને પગપાળા જ આવવાની પરવાનગી અપાઇ છે.
રામલલાના દર્શન માટે મંગળવારે અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. સ્થિતિ એવી બની કે ત્યાં હાજર વહીવટીતંત્રને લોકોને કાબૂમાં લેવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ ઝપાઝપી દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા હતા. લખનૌ જિલ્લા મેજિસ્ટ્રેટે નિર્દેશ આપ્યો છે કે અત્યારે કોઈ પણ પ્રવાસીને અયોધ્યા ન મોકલવામાં આવે. વધતી ભીડને નિયંત્રિત કરવામાં સમસ્યા છે. તેના બદલે લોકોને અહીંથી બીજે ક્યાંક મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. કૃપા કરીને અયોધ્યા સેવાઓ બે કલાક માટે સ્થગિત રાખો.