વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારત રત્ન એનાયત કર્પૂરી ઠાકુરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પીએમએ લખ્યું આ ખાસ અવસર પર અમારી સરકારને તેમને ભારત રત્નથી સન્માનિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યુ કે તેમણે ભારતીય સમાજ અને રાજકારણ પર જે અવિસ્મરણીય છાપ છોડી છે. તેના વિશે હું મારી લાગણીઓ અને વિચારો તમારી સાથે શેર કરી રહ્યો છું.આ સાથે વડાપ્રધાન મોદીએ તેમનો એક લાંબો લેખ શેર કર્યો, જેમાં તેમણે તેમના OBC હોવા અને પછાત આયોગના કોંગ્રેસના વિરોધનો ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે મોદી સરકારે મંગળવારે મોડી સાંજે તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાને તેમના લેખમાં લખ્યુ છે કે ઘણા લોકોના વ્યક્તિત્વનો આપણા જીવન પર પ્રભાવ પડે છે. આપણે જે લોકોને મળીએ છીએ અને જેમના સંપર્કમાં રહીએ છીએ તેમની વાતોનો પ્રભાવ પડે તે સ્વભાવિક છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના વિશે સાંભળીને જ તમે પ્રભાવિત થઈ જાવ છો. તેવા જ મારા માટે જનનાયક કર્પૂરી ઠાકુર રહ્યા છે. આજે કર્પૂરી બાબુની 100મી જન્મજયંતિ છે. મને કર્પૂરીજીને મળવાની ક્યારેય તક મળી નથી. પરંતુ મેં તેમની સાથે ખૂબ નજીકથી કામ કરતા કૈલાશપતિ મિશ્રાજી પાસેથી તેમના વિશે ઘણું સાંભળ્યું છે. કર્પુરી બાબુએ સામાજિક ન્યાય માટે કરેલા પ્રયાસોથી કરોડો લોકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો. તે વાળંદ સમુદાયના હતા. એટલે કે સમાજનો સૌથી પછાત વર્ગ. અનેક પડકારોને પાર કરીને તેમણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી અને જીવનભર સમાજના ઉત્થાન માટે કામ કરતા રહ્યા.
વધુમાં લેખમાં વડાપ્રધાન મોદીએ લખ્યુ કે જનનાયક કર્પૂરી ઠાકુર જીનું સમગ્ર જીવન સાદગી અને સામાજિક ન્યાય માટે સમર્પિત હતું. તેમના અંતિમ શ્વાસ સુધી તેઓ તેમની સાદી જીવનશૈલી અને નમ્ર સ્વભાવના કારણે સામાન્ય લોકો સાથે ઊંડે સુધી જોડાયેલા રહ્યા. તેમની સાથે જોડાયેલી આવી ઘણી વાર્તાઓ છે, જે તેમની સાદગીનું ઉદાહરણ છે. તેમની સાથે કામ કરનારા લોકોને યાદ છે કે કેવી રીતે તેમણે આગ્રહ કર્યો હતો કે સરકારી નાણાંનો એક પણ પૈસો તેમના કોઈપણ અંગત કામમાં ન વાપરવો જોઈએ. બિહારમાં તેમના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. તે પછી રાજ્યના નેતાઓ માટે વસાહત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ તેઓએ પોતાના માટે કોઈ જમીન લીધી નહીં. જ્યારે પણ તેમને પૂછવામાં આવતું કે તમે જમીન કેમ નથી લેતા, ત્યારે તેઓ નમ્રતાથી હાથ જોડી દેતા હતા. 1988માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ઘણા નેતાઓ તેમના ગામમાં શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા.
ઈમરજન્સીનો પણ તેમણે સખત વિરોધ કર્યો હતો. લોકશાહી, વાદ-વિવાદ અને ચર્ચા કર્પુરી જીના વ્યક્તિત્વનો અભિન્ન અંગ હતા. ભારત છોડો ચળવળ દરમિયાન લોકશાહી પ્રત્યેનું તેમનું સમર્પણ સ્પષ્ટ હતું.