લોકસભા ચૂંટણી-2024 સાથે જોડાયેલી એક મોટી રાજકીય ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે ટીએમસી બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ કરે. અને સ્પષ્ટ કર્યું કે તેઓ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ભાજપને હરાવવા સક્ષમ છે.ત્યારે ભાજેપ મમતા બેનર્જી પર નિશાન તાક્યુ છે.
એકલા ચલોની નીતિ અપનાવવાની જાહેરાત કર્યા બાદ મમતા બેનર્જીએ વિપક્ષી પક્ષો સાથે ગઠબંધન-INDIAમાં પોતાની ભૂમિકા પર જવાબ આપ્યો છે. તેમણે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે સહમતિ ન બનવા પર કહ્યું કે દેશમાં શું થશે તેની તેમને ચિંતા નથી. આ મોટી રાજકીય ઘટના બાદ બંગાળમાં મુખ્ય વિરોધ પક્ષ ભાજપે કહ્યું છે કે મમતાનો નિર્ણય હતાશાના સંકેત આપે છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ રાહુલ ગાંધી અને અન્યો પર નિશાન સાધ્યું છે.
સીએમ મમતાના નિર્ણય બાદ બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં એકલા લડવાનો મમતા બેનર્જીનો નિર્ણય હતાશાના સંકેત છે. માલવિયાએ કહ્યું કે મમતા વિપક્ષી ગઠબંધનના ચહેરા તરીકે ઉભરવા માંગે છે. પરંતુ કોઈએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો નથી. માલવિયાએ આરોપ લગાવ્યો કે તે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા ટાળવામાં પણ નિષ્ફળ ગઈ છે. તુષ્ટિકરણના રાજકારણની દુર્ગંધથી પોતાને મુક્ત ન કરી શકનાર મમતાએ શરમમાં પોતાનો ચહેરો છુપાવવા માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
તો આ તરફ BJP IT સેલના વડાએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળ પહોંચે તે પહેલાં જ મમતા દ્વારા એકલા ચૂંટણી લડવાની જાહેરાત વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન – I.N.D.I.A માટે મૃત્યુ ઘૂંટણી સમાન છે. માલવિયાએ કોંગ્રેસની મુલાકાતને સર્કસ ગણાવી હતી.