કાશીની જ્ઞાનવાપી મસ્જિદ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સર્વે રિપોર્ટને લઈને માહોલ ગરમાયો છે. હિંદુ પક્ષો મસ્જિદની અંદર પૂજા કરવા માંગે છે. અને પરિસર તેમને સોંપવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે હવે રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સતેન્દ્ર દાસે આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અયોધ્યાના મંદિર-મસ્જિદ વિવાદ અને કાશીના જ્ઞાનવાપી વિવાદ વચ્ચે સમાનતા છે. તેમણે કહ્યું,’ASIના સર્વે રિપોર્ટે અયોધ્યા વિવાદ દરમિયાન મોટી ભૂમિકા ભજવી હતી. જ્ઞાનવાપીના કિસ્સામાં પણ આવું જ થવું જોઈએ.
સાથે જ આચાર્ય સતેન્દ્ર દાસે કહ્યું કે ‘કોર્ટે મંદિરના પુરાવા સાર્વજનિક કરવાના આદેશ આપ્યો છે. જેનાથી સાબિત થાય છે કે પહેલા ત્યાં મંદિર હતું.ત્યારે કોર્ટે હવે પુરાવાના આધારે જ્ઞાનવાપીમાં મંદિરનું નિર્માણ કરાવવું જોઇએ. પહેલા હિન્દુઓ ત્યાં પૂજા કરતા હતા હવે ફરી એકવાર ત્યાં પુજા શરૂ થવી જોઇએ.
તો આ તરફ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મુસ્લિમોએ જ્ઞાનવાપી મસ્જિદની જગ્યા હિંદુઓને સોંપી દેવી જોઈએ. અને એવું કોઈ નિવેદન ન આપવું જોઈએ જેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ ના બગડે. વધુમાં ગિરિરાજ સિંહે કહ્યું, આઝાદી પછી આપણે કોઈ મસ્જિદ તોડી નથી. પણ પાકિસ્તાનમાં કોઈ મંદિર બચ્યું નથી.
‘ઔરંગઝેબના શાસનકાળમાં ભવ્ય હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું’
જ્ઞાનવાપી કેસમાં હિંદુ અરજદારોના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે 839 પેજના અહેવાલની નકલો કોર્ટ ગુરુવારે મોડી સાંજે સંબંધિત પક્ષકારોને આપવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે અહેવાલોથી સ્પષ્ટ છે કે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી મસ્જિદ એક ભવ્ય હિન્દુ મંદિરને 17મી સદીમાં ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન તોડી પાડવામાં આવ્યુ હતુ. આ પછી મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવામાં આવી હતી.