સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. 31 જાન્યુઆરી,2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત બેઠકને સંબોધન સાથે સત્ર શરૂ કરવામાં આવ્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. આ બજેટ બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને દેશના ગરીબો માટે કેટલીક મહત્વપૂર્ણ લોકને આકર્ષિત કરનારી યોજનાઓની જાહેરાત કરી શકે છે.
નવા સંસદ ભવનમાં પોતાના પ્રથમ સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. સતત બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 7.5 ટકા હોવાનો ઉલ્લેખ કરતા તેમણે દેશની આર્થિક નીતિઓને ઉત્તમ ગણાવી હતી. તેમણે ડિજિટલ ઈન્ડિયા જેવી પહેલની પણ પ્રશંસા કરી હતી.
તો આ તરફ સંસદના સંયુક્ત સત્રમાં સરકારની કામગીરીના લેખા જોખા રજૂ કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલમ 370 હટાવવા તથા રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.રાષ્ટ્રપતિએ કહ્યું કે રામ મંદિર નિર્માણની આકાંક્ષા સદીઓથી હતી. જે આજે સાચી પડી છે. તેમણે વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે જે શંકાઓ હતી તે આજે ઈતિહાસમાં ફેરવાઈ ગઈ છે.
વધુમાં દ્રોપદી મુર્મુએ કહ્યુ કે આપણા બંધારણના અમલીકરણનું 75મું વર્ષ પણ છે. આ જ સમયગાળામાં આઝાદીના 75 વર્ષની ઉજવણી અમૃત મહોત્સવનું પણ આયોજન કરાયુ હતુ. દેશે તેના ગુમનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા. 75 વર્ષ પછી યુવા પેઢીએ ફરીથી સ્વતંત્રતા સંગ્રામનો તે સમયગાળો જીવ્યો.
રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે ગુલામીના યુગમાં બનેલા કાયદા હવે ઈતિહાસનો હિસ્સો બની ગયા છે. તેમણે કહ્યું કે ટ્રિપલ તલાકની કુપ્રથાને ખતમ કરવા માટે સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી છે. તેમણે એ પણ રેખાંકિત કર્યું કે સંસદની નવી ઇમારતમાં આ તેમનું પ્રથમ સંબોધન હતું.