ભાજપની સ્થાપના કરનાર ચેહરામાંથી એક એવા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી નવાજવામાં આવશે. આ માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વવીટર હાલના એક્સ અકાઉન્ટ પર માહિતી શેર કરી હતી. વડાપ્રધાને પોસ્ટમાં કહ્યું કે ભારતના વિકાસમાં તેમનું યોગદાન સ્મરણીય છે. તેમનું જીવન પાયાના સ્તરે કામ કરવાથી માંડીને દેશના નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપવા સુધીનું હતું.
વધુમાં વડાપ્રધાને લખ્યુ કે મને એ જણાવતા આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મે તેમને સમ્માન માટે વાત કરી અને તેમને શુભેચ્છા પાઠવી. તેઓ સૌથી મહાન અને આદરણીય જાહેર નેતા રહ્યા છે.તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ સૂઝથી ભરેલા રહ્યા છે.”
ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમા નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ એક હિન્દુ સિંધી પરિવારમાં કરાચી પાકિસ્તાનમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગસાહસિક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી તેઓ ડીજી નેશનલ સ્કૂલ, હૈદરાબાદ, સિંધમાં જોડાયા. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો. અહીં તેમણે બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેમના પુત્રનું નામ જયંત અડવાણી અને પુત્રીનું નામ પ્રતિભા અડવાણી છે.