ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સોમવારે સવારે યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં આગરાથી નોઈડા જઈ રહેલી ખાનગી બસનું ટાયર અચાનક પંચર થઈ ગયું. જેના કારણે બસ કાબુ બહાર જઈને રોડ પર ઉભી રહી ગઈ હતી. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી કાર બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારની ટક્કર બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 5 લોકો જીવતા દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસનું કહેવું છે કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
બસ સાથે કાર ઘૂસી, 5 લોકો દાઝી ગયા
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે 7.45 વાગ્યે આ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જોરદાર અથડામણ બાદ વાહનોમાં આગ લાગી હતી અને બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. જેના કારણે યમુના એક્સપ્રેસ વે પર ભારે જામ થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બસમાં સવાર મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કારમાં સવાર 5 લોકો આગમાં જીવતા સળગીને મૃત્યુ પામ્યા હતા. પોલીસનું કહેવું છે કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.