ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી GSRTCની ૧૦૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. જેમાં બે સ્લીપર, પાંચ સેમી લક્ઝરી, 45 સુપર એકસપ્રેસ અને 48 રેડી બિલ્ટ બસોનો સમાવેશ થાય છે. આ બસો ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં સંચાલિત થનાર છે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 100 નવીન બસો થકી નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં ઉમેરો થશે.રાજ્યના લાખો નાગરિકો ધંધા, વ્યવસાય, ભણતર કે સામાજિક કાર્ય અર્થે પ્રતિદિન નજીવા ખર્ચે સુરક્ષિત રીતે રાજ્યમાં આંતરિક તેમજ આજુબાજુના રાજ્યોમાં અવરજવર કરવાની સુવિધાનો સરળતાથી લાભ મેળવી શકશે.દૈનિક સરેરાશ 27 લાખથી વધુ લોકોને પરિવહનની સુવિધા આપતા ST નિગમ દ્વારા આગામી દિવસોમાં 30 લાખથી વધુ લોકોને આ સુવિધા પૂરી પાડવાના સંકલ્પ વિષે જણાવ્યું હતું.
વધુમાં મંત્રીએ ગુજરાત રાજ્ય દ્વારા માત્ર 13 મહિનાનાં ટૂંકા ગાળામાં શરૂ કરાયેલી 1620 જેટલી નવી બસોના લોકાર્પણનું કાર્ય દેશમાં પ્રથમ વખત કરાયું હોવાનું ગૌરવપૂર્ણ ઉમેર્યું હતું.સરકાર દ્વારા અપાતી માર્ગ પરિવહનની સુવિધાને કારણે લોકો ખાનગી સાધન દ્વારા કરાતી જોખમી સવારીને ટાળી શકાશે એમ કહી આગામી ટૂંક સમયમાં રાજ્યના નાગરિકોને વધુ ૫૦૦ બસ આપવાની ખાતરી મંત્રીશ્રીએ આપી હતી.