ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
હાઈલાઈટ્સ
- ચેન્નાઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- મુંબઈ એરપોર્ટ પર અફરાતફરી મચી જવાા પામી
- પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું
ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી અપાયા બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, 6E-5314 એરક્રાફ્ટના ક્રૂને ટોયલેટમાં એક નોટ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે એરક્રાફ્ટમાં બોમ્બ છે. આ પછી, મુંબઈ એરપોર્ટ પર લગભગ પોણા નવ વાગ્યે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા. લેન્ડિંગ બાદ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે એક અઠવાડિયાની અંદર આ બીજી વખત છે જ્યારે પ્લેનમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે.
આ પહેલા દિલ્હીમાં ઈન્ડિગોના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. અહીં પણ ટોયલેટમાંથી જ ટીશ્યુ પેપર પર લખેલી નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ’30 મિનિટમાં બોમ્બ બ્લાસ્ટ.’ 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી, 176 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને છ ક્રૂ મેમ્બરને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ઈન્ડિગોની દિલ્હી-વારાણસી ફ્લાઈટમાં 28 મેના રોજ બોમ્બ હોવાની ધમકી મળી હતી, જે તપાસ દરમિયાન ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી સ્લાઈડ્સ દ્વારા તમામ મુસાફરોને પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક વીડિયો ક્લિપમાં એક પાયલોટ સામાન સાથે ઈમરજન્સી સ્લાઈડ મારફતે પ્લેનમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. જો કે, આંતરરાષ્ટ્રીય ધોરણો હેઠળ મુસાફરો અને ક્રૂ ખાલી કરાવવાના સમયે તેમનો સામાન લઈ શકતા નથી કારણ કે આ ખાલી કરાવવાનો સમય વધારશે.