હેડલાઈન
- મુખ્યમંત્રી સ્ટાલિન પોતે હિન્દી વિરોધી આંદોલનનું કરી રહ્યા છે નેતૃત્વ
- બજેટ લોગોમાંથી રૂપિયાના દેવનાગરી પ્રતીકને દૂર કરી તમિલ અક્ષરોથી બદલી
- તમિલ નેતાઓના હિન્દી સામે વિરોધ મામલે બુદ્ધીજીવી લોકોમાં ભભૂકતો રોષ
- જનસેનાના વડા-ભૂતપૂર્વ તેલુગુ અભિનેતા પવન કલ્યાણ ગુસ્સે થયા
- પવન કલ્યાણે કહ્યું તેઓ હિન્દીનો વિરોધ કરે પછી તેને હિન્દીમાં ડબ કરે
- પવન કલ્યાણના આ મામલે તમિલનાડુ સરકારના વલણ પર સવાલ
કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રિભાષાના સૂત્રને લઈને તમિલનાડુમાં સતત હોબાળો ચાલી રહ્યો છે.રાજ્યમાંથી દરરોજ હિન્દી વિરુદ્ધ કોઈને કોઈ નિવેદન આવી રહ્યું છે.મુખ્યમંત્રી સ્ટાલિન પોતે હિન્દી વિરોધી આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે.તમિલનાડુમાં હિન્દી વિરોધી ચળવળ એટલી હદે વધી ગઈ છે કે તાજેતરમાં બજેટ લોગોમાંથી રૂપિયાના દેવનાગરી પ્રતીકને દૂર કરીને તમિલ અક્ષરોથી બદલી નાખવામાં આવ્યું છે.તમિલનાડુમાં હિન્દી પર ચાલી રહેલા યુદ્ધ વચ્ચે,હવે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે ટિપ્પણી કરી છે.તેમણે આ મામલે તમિલનાડુ સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.
– કોઈપણ ભાષા પ્રત્યે દુશ્મનીભર્યું વલણ રાખવું એ સંપૂર્ણપણે મૂર્ખામી
એનડીએના સાથી પક્ષ જનસેનાના વડા અને ભૂતપૂર્વ તેલુગુ અભિનેતા પવન કલ્યાણે કહ્યું કે તમિલનાડુ રાજ્ય હિન્દીને કેમ નકારે છે? જ્યારે ઉત્તર પ્રદેશ,બિહાર અને છત્તીસગઢ જેવા હિન્દી ભાષી વિસ્તારોના લોકોને તમિલ ફિલ્મો ખૂબ ગમે છે.તેઓ હિન્દીમાં ડબ થયેલી તમિલ ફિલ્મો જુએ છે.તેમણે કહ્યું કે કોઈપણ ભાષા પ્રત્યે દુશ્મનીભર્યું વલણ રાખવું એ સંપૂર્ણપણે મૂર્ખામી છે.પવન કલ્યાણ તેમની પાર્ટી ‘જનસેના’ના 12મા સ્થાપના દિવસ નિમિત્તે તેમના મતવિસ્તાર ‘પીઠાપુરમ’માં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.આ દરમિયાન તેમણે કહ્યું કે મુસ્લિમો અરબી કે ઉર્દૂમાં પ્રાર્થના કરે છે,મંદિરોમાં સંસ્કૃત મંત્રોથી પૂજા કરવામાં આવે છે,શું આ પ્રાર્થનાઓ તમિલ કે તેલુગુમાં કરવી જોઈએ?
– ઉત્તર-દક્ષિણનું વિભાજન ન કરો
પવન કલ્યાણે ડીએમકે નેતાઓના હિન્દી વિરોધી વલણની ટીકા કરી અને કહ્યું કે આ ખરેખર ભ્રામક વાતો છે.તેમણે લોકોને ઉત્તર-દક્ષિણના વિભાજનથી આગળ વધવા અને એકતા અને અખંડિતતાને મહત્વ આપવા વિનંતી કરી.તેમણે એમ પણ કહ્યું કે કોઈ વસ્તુને તોડવી સહેલી છે પણ તેને ફરીથી જોડવી ખૂબ જ મુશ્કેલ છે.તેમણે જનતાને એવા રાજકીય પક્ષો પસંદ કરવાની સલાહ આપી જે દેશના હિતમાં કામ કરે.