હેડલાઈન :
- ટેરિફ વોર અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતની વેપાર ખાધ સૌથી ઓછી
- આયાતમાં ઘટાડો થવાને કારણે ફેબ્રુઆરી 2025માં દેશની વેપાર ખાધ ઘટી
- વેપાર ખાધ ઘટીને $14.05 બિલિયન થઈ જે સાડા ત્રણ વર્ષમાં સૌથી ઓછી
- વેપાર ખાધ અર્થશાસ્ત્રીઓના $21.65 બિલિયનના અનુમાન કરતાં ઘણી ઓછી
- દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા આંકડા
વિશ્વભરમાં ટેરિફ યુદ્ધ વચ્ચે આયાતમાં ઘટાડો થવાને કારણે ફેબ્રુઆરી 2025માં દેશની વેપાર ખાધ ઘટીને $14.05 બિલિયન થઈ ગઈ.ઓગસ્ટ 2021 પછી સાડા ત્રણ વર્ષમાં આ તેનું સૌથી નીચું સ્તર છે.મહત્વની વાત એ છે કે,વેપાર ખાધ અર્થશાસ્ત્રીઓના $21.65 બિલિયનના અનુમાન કરતાં ઘણી ઓછી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, પેટ્રોલિયમ કિંમતોમાં અસ્થિરતા અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે ભારતની વેપાર નિકાસ સતત ચોથા મહિને ઘટીને $36.91 બિલિયન થઈ ગઈ છે.એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં આ આંકડો $41.41 બિલિયન હતો.આ સમયગાળા દરમિયાન આયાત પણ ઘટીને $50.96 બિલિયનના બે વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ.એપ્રિલ 2023 પછી આ સૌથી ઓછી આયાત છે.
ફેબ્રુઆરી, 2024માં કુલ આયાત $60.92 બિલિયન હતી.ચાર મહિના એટલે કે નવેમ્બર, 2024 થી ફેબ્રુઆરી, 2025 માં મૂલ્યની દ્રષ્ટિએ વેપારી માલની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો.જાન્યુઆરીમાં નિકાસ $36.43 બિલિયન રહી જે એક વર્ષ પહેલા $37.32 બિલિયન હતી.ડિસેમ્બરમાં તે ઘટીને $38.01 બિલિયન અને નવેમ્બરમાં $32.11 બિલિયન થઇ.ઓગસ્ટ 2021 પછી વેપાર ખાધનો આંકડો સૌથી નીચા સ્તરે આવી ગયો છે તે અંગે પૂછવામાં આવતા એક અધિકારીએ કહ્યું કે આ ઝડપી અંદાજ છે.અમે આયાતમાં થયેલા ઘટાડાની વિગતોની તપાસ કરી રહ્યા છીએ.
ફેબ્રુઆરીમાં મૂલ્યની દ્રષ્ટિએ ભારતે જે ટોચના પાંચ દેશોમાં સૌથી વધુ માલ નિકાસ કર્યો તેમાં અમેરિકા 9.1 ટકા, યુએઈ 5.19 ટકા, યુકે 12.47 ટકા,જાપાન 21.67 ટકા અને નેધરલેન્ડ 3.68 ટકાનો સમાવેશ થાય છે.વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં સોનાની આયાત ઘટીને $2.3 બિલિયન થઈ ગઈ જે જાન્યુઆરીમાં $2.68 બિલિયન હતી.ક્રૂડ ઓઇલની આયાત પણ 13.4 અબજ ડોલરની સરખામણીમાં ઘટીને 11.8 અબજ ડોલર થઈ છે.