હેડલાઈન :
- CM ભૂપેન્દ્ર પટેલે “ન્યાય અભ્યુદય -ધ ટેક્નો લિગલ ફેસ્ટ 2025″નો પ્રારંભ કરાવ્યો
- “ન્યાય અભ્યુદય – ધ ટેક્નો લિગલ ફેસ્ટ 2025″નો NFSU ખાતે પ્રારંભ કરાવ્યો
- મુખ્યમંત્રીએ ત્રિદિવસીય ફેસ્ટમાં યુવા છાત્રોને પ્રેરણા આપતુ સંબોધન કર્યુ
- “ટેકનો-લીગલ ફેસ્ટ-2025 માત્ર સ્પર્ધા નહિ,ન્યાયની ભાવના સશક્ત બનાવનારું”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી એટલે NFSU દ્વારા આયોજિત ન્યાય અભ્યુદય ટેકનો-લીગલ ફેસ્ટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય ફેસ્ટમાં સહભાગી થયેલા યુવા છાત્રોને પ્રેરણા આપતાં કહ્યું કે,આ ટેકનો-લીગલ ફેસ્ટ-2025 માત્ર સ્પર્ધા નહિ પરંતુ ન્યાયની ભાવના સશક્ત બનાવનારું આયોજન છે.યુવાઓના ક્ષમતા નિર્માણ, અનુભવાત્મક શિક્ષણ અને કૌશલ્ય વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવતા આવા આયોજન માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.તેમણે ઉમેર્યું કે,આવા આયોજનોથી યુવા છાત્રોને નવું શીખવાનો તથા પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાનું પ્લેટફોર્મ મળશે.એટલું જ નહીં ડેટા ગોપનીયતા,સાયબર સુરક્ષા,AI નૈતિકતા જેવા સામાન્ય રીતે ટેકનિકલ લાગતા પરંતુ હવે આપણી રોજબરોજની જીવનશૈલી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં પણ કાયદા કાનૂનના વિનિયોગનું જ્ઞાન આપશે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયબર ખતરા,ડિજિટલ અધિકાર,કૃત્રિમ બદ્ધિમતા અને સીમાપારની ઘૂસણખોરી જેવા પડકારો સામે કાનૂની જ્ઞાન સાથેના કવચથી કામ પાર પાડવા આ ફેસ્ટના માધ્યમથી ગુજરાતમાં NFSU એ કરેલી પહેલની સરાહના કરી હતી.
તેમણે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનના સંકલ્પને પાર પાડવામાં યુવાશક્તિને સંવાહક બનીને ‘કેચ ધ રેઈન’, ‘એક પેડ માં કે નામ’,‘સ્વચ્છ ભારત મિશન’ જેવા સામાજિક ચેતના અભિયાનોમાં સક્રિય થવા આહવાન પણ કર્યું હતું.
આ ત્રિદિવસીય ટેક્નો લિગલ ફેસ્ટમાં સમગ્ર દેશમાંથી કુલ 61 ટીમોના 200 વિધાર્થીઓ ભાગ લેશે જેમાંથી શ્રેષ્ઠ ટીમ, રનર-અપ, શ્રેષ્ઠ મૂટર, શ્રેષ્ઠ મેમોરિયલ અને શ્રેષ્ઠ સંશોધક માટેના પુરસ્કારો સહિત રૂ. 1 લાખના ઇનામ આપવામાં આવશે.
આ પ્રસંગે NFSU દિલ્હી કેમ્પસના ડાયરેક્ટર ડૉ.પૂર્વી પોખરિયાલે જણાવ્યું કે આજના ટેક્નો-કાનૂની યુગમાં કાયદા શાખાએ કાયદાના જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓને ભાવિ ડિજિટલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે સુસજ્જ રહેતા શીખવવાનું છે.આ ‘ન્યાય અભ્યુદય’ કાર્યક્રમનો હેતુ ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદાથી સજ્જ વકીલોની નવી પેઢી તૈયાર કરવાનો છે.આ કાર્યક્રમ અંતર્ગત તૃતીય એનએફએસયુ નેશનલ ટેક્નોલોજિકલ મૂટ કોર્ટ કોમ્પિટિશનનું તેમજ પ્રથમ નેશનલ ટ્રાયલ એડવોકસી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં વિદ્યાર્થીઓને કેસ વિશ્લેષણ,સાક્ષીઓની તપાસ અને કોર્ટરૂમ વ્યૂહરચના સહિત વ્યવહારુ ટ્રાયલ-પ્રક્રિયાનો અનુભવ પ્રદાન કરવામાં આવશે.
NFSU ના વાઇસ ચાન્સેલર જે.એમ.વ્યાસ સહિત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો,છાત્રો અને સ્પર્ધકો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.