હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત થઈ
- બાંગ્લાદેશ વિવાદ વચ્ચે BIMSTEC સમિટ દરમિયાન થઈ મુલાકાત
- શેખ હસીનાના તખ્તાપલટ પછી મોદી-યુનુસ વચ્ચે પહેલી મુલાકાત
- વડાપ્રધાન મોદી અને મોહમ્મ્દ યુનુસ વચ્ચે 40 મીનિટ સુધી મુલાકાત
- બંને દેશોના ટોચના નેતાઓની મુલાકાતે ખળભળાટ મચાવી દીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 4 એપ્રિલના રોજ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી.શેખ હસીનાના તખ્તાપલટ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે આ પહેલી મુલાકાત છે.ગયા વર્ષે 5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા હતા ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા નથી.જોકે આ દ્વિપક્ષીય બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઢાકાએ BIMSTEC સમિટ દરમિયાન મતભેદોને ઉકેલવા માટે દ્વિપક્ષીય બેઠકની વિનંતી કરી હતી.
– મુલાકાતે ખળભળાટ મચાવી દીધો
અગાઉ એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી યુનુસને મળી શકે છે જોકે વિદેશ મંત્રાલયે પ્રસ્તાવિત મુલાકાત અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.ગુરુવારે ૩ એપ્રિલના રોજ વડાપ્રધાન અને યુનુસ BIMSTEC સમિટ દરમિયાન આયોજિત રાત્રિભોજનમાં સાથે બેઠા જોવા મળ્યા હતા જે ચર્ચાનો વિષય બન્યો હતો.ચીનમાં બોઆઓ ફોરમ ફોર એશિયા BFAના વાર્ષિક પરિષદમાં હાજરી આપતી વખતે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો પર યુનુસે કરેલી ટિપ્પણી બાદ દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વધુ વધ્યો છે.જોકે તે પછી આજે બંને દેશોના ટોચના નેતાઓની મુલાકાતે ખળભળાટ મચાવી દીધો છે.
– બેઠક 40 મિનિટ ચાલી
ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં આશ્રય લીધા પછી બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે આ ભારતની પ્રથમ ઉચ્ચ-સ્તરીય બેઠક હતી જે હવે સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠક 40 મિનિટ ચાલી હતી જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શન બાદ ભૂતપૂર્વ વડાપ્રધાન બાંગ્લાદેશથી ભાગી ગયા હતા જેના કારણે તેમની 16 વર્ષ જૂની અવામી લીગ સરકાર ઉથલાવી દેવામાં આવી હતી.યુનુસે દાવો કર્યો છે કે ઢાકાએ ભારતને ઔપચારિક પત્રો મોકલીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા માટે હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી પરંતુ નવી દિલ્હી તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.
– વડાપ્રધાન મોદીએ કયા મુદ્દા ઉઠાવ્યા ?
ભારત સરકારના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.પીએમ મોદીએ મોહમ્મદ યુનુસ સાથેની મુલાકાતમાં આ મુદ્દો ખુલ્લેઆમ ઉઠાવ્યો છે. તેમણે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.પીએમએ આશા વ્યક્ત કરી કે બાંગ્લાદેશ સરકાર તે કરશે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે.
તેમણે કહ્યું કે પીએમ મોદીએ લોકશાહી,સ્થિર,શાંતિપૂર્ણ,પ્રગતિશીલ અને વધુ સમાવિષ્ટ બાંગ્લાદેશને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.તેમણે યુનુસને બાંગ્લાદેશ સાથે વધુ સકારાત્મક અને નિર્ણાયક સંબંધ સ્થાપિત કરવાની ભારતની ઇચ્છા પણ જણાવી.આ દરમિયાન શેખ હસીનાના મુદ્દા પર પણ ચર્ચા થઈ.બાંગ્લાદેશે શેખ હસીનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ હાલ આ વિશે કંઈ કહેવું યોગ્ય રહેશે નહીં.મિસ્ત્રીએ કહ્યું કે પીએમ મોદીએ એવું પણ સૂચન કર્યું હતું કે આવા નિવેદનો ટાળવા જોઈએ જે બિનજરૂરી રીતે દ્વિપક્ષીય સંબંધોને બગાડે છે.તમને જણાવી દઈએ કે બંને નેતાઓએ બેંગકોકમાં એકબીજા સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી.
બંને નેતાઓની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે મુહમ્મદ યુનુસ તેમની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની વાતચીતને લઈને વિવાદમાં છે.ચીનની મુલાકાતે ગયેલા બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનની ધરતી પર કહ્યું હતું કે ઢાકા આ ક્ષેત્રના સમુદ્રનો એકમાત્ર રક્ષક છે.ચીનને પોતાના દેશમાં રોકાણ કરવા આમંત્રણ આપતી વખતે યુનુસે ભારતની મર્યાદાઓની યાદી આપી હતી અને બાંગ્લાદેશમાં વિશાળ વ્યાપારિક તકો હોવાનું કહીને ચીનને લલચાવ્યું હતું.