હેડલાઈન :
- કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી ઝટકો
- રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ તરફથી મોટો ઝટકો લાગ્યો
- વીર સાવરકર માનહાનિ કેસમાં સમન્સ રદ કરવા-દંડ દૂર કરવાની અરજી ફગાવી
- કોર્ટે માત્ર અરજી ફગાવી દીધી એટલું જ નહીં રૂ. 200નો દંડ પણ યથાવત રાખ્યો
- 17 ડિસેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્રના અકોલામાં પ્રેસ કોન્ફરન્સમાં આપ્યુ નિવેદન
- નિવેદન પર લખનૌના રહેવાસી નૃપેન્દ્ર પાંડેએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી
- રાહુલ ગાંધી વતી વકીલ પ્રાંશુ અગ્રવાલે 2 એપ્રિલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.વીર સાવરકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ચાલી રહેલા માનહાનિના કેસમાં,કોર્ટે સમન્સ રદ કરવા અને દંડ દૂર કરવાની તેમની અરજી ફગાવી દીધી છે.એટલું જ નહીં, કોર્ટે 200 રૂપિયાના દંડને પણ યથાવત રાખ્યો છે.
– શું છે સમગ્ર મામલો ?
રાહુલ ગાંધીએ 17 ડિસેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્રના અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વીર સાવરકરને ‘બ્રિટીશના નોકર’ અને ‘પેન્શનર’ કહ્યા હતા.આ નિવેદન પર લખનૌના રહેવાસી નૃપેન્દ્ર પાંડેએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.ફરિયાદીનો આરોપ છે કે રાહુલ ગાંધીનું આ નિવેદન સમાજમાં દ્વેષ અને નફરત ફેલાવવાના ઈરાદાથી આપવામાં આવ્યું હતું.એટલું જ નહીં પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને અગાઉથી તૈયાર કરેલા પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કેસમાં અગાઉ 3 માર્ચ,2025ના રોજ, લખનૌની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તેમને 14 એપ્રિલ, 2025 ના રોજ કોર્ટમાં હાજર રહેવાની ચેતવણી આપી હતી નહીં તો તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવશે.
– હાઈકોર્ટમાં પણ રાહત નહીં
આ અંગે, રાહુલ ગાંધી વતી વકીલ પ્રાંશુ અગ્રવાલે 2 એપ્રિલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં સમન્સના આદેશ અને દંડને પડકારવામાં આવ્યો હતો.પરંતુ હાઈકોર્ટે આ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી.રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે હવે તેઓ બીજી અરજી દાખલ કરશે.આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હોય.આ પહેલા ફેબ્રુઆરી 2024માં તેઓ સુલતાનપુર કોર્ટમાં શરણાગતિ સ્વીકારવા આવ્યા હતા.કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહ પર કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને આ કેસ 2018માં નોંધવામાં આવ્યો હતો.