હેડલાઈન :
- ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ એપ્રીલ બન્યો આકરો
- સમગ્ર ગુજરાતમાં પડી રહેલી અંગ દઝાડતી ગરમી
- રાજ્યમાં સૌરાષ્ટ્ર પંથક રહ્યો સૌથી વધુ ગરમ પ્રદેશ
- રાજ્યમાં સૌરાષ્ટ્ર પંથકના છ શહેરો બન્યા અગન ગોળો
- રાજકોટ શહેરે એપ્રીલમાં ગરમીનો વર્ષો જુનો રેકોર્ડ તોડ્યો
- બુધવારે રાજકોટનું મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું
- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ પડી રહેલી અસહ્ય ગરમી
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ આકરી ગરમીથી લોકો ત્રસ્ત
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત જાણે અગનભઠ્ઠીમાં ફેરવાય ગયું હોય તેવું લાગી રહ્યું છે.આકાશમાંથી સુર્યનારાયણ આગ વરસાવી રહ્યા છે. બુધવારે રાજયના શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. એપ્રિલ આકરો જઇ રહ્યો છે.કચ્છના કંડલા એરપોર્ટ પરનું તાપમાન 45.6 ડિગ્રી સેલ્સીયસ પહોંચી ગયું હતું. રાજકોટમાં પણ તાપમાનનો પારો 45.2 ડિગ્રીએ આંબી ગયો હતો.મધરાતે પણ ગરમ લુ ફૂંકાતી હતી.આજથી હીટવેવમાં સામાન્ય રાહત થવાની સંભાવના છે.
– સૌરાષ્ટ્ર પંથક અગન ગોળો બન્યો
રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં સૂર્ય દેવનો વધુ પ્રકોપ જોવા મળી રહ્યું છે.સૌરાષ્ટ્રના છ શહેરો જાણે કે અગન ગોળો બની ગયા છે.રાજકોટમાં એપ્રિલ માસમાં આકરી ગરમીનો વર્ષો જુનો રેકોર્ડ બુધવારે તુટયો હતો.બુધવારે રાજકોટનું મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.બપોરના સમયે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ જોવા મળ્યો હતો.મોડી રાત્રી સુધી પવનમા ગરમ લુ ફુંકાતી હોય તેવું લાગી રહ્યું હતું.અમરેલીનું મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી,ભાવનગરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી,દ્વારકાનું મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી,ઓખાનું તાપમાન 32.8 ડિગ્રી,પોરબંદરનું તાપમાન 43 ડીગ્રી,રાજકોટનું તાપમાન 45.2 ડિગ્રી,વેરાવળનું તાપમાન 36.8 ડિગ્રી, દિવનું તાપમાન 34.2 ડિગ્રી,સુરેન્દ્રનગરનું તાપમાન 43.8 ડિગ્રી,મહુવાનું તાપમાન 38.4 ડિગ્રી અને કેશોદનું મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું હતું.
– કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી
કચ્છની વાત કરીએ તો કંડલા એરપોર્ટ પરનું તાપમાન સૌથી વધુ 45.6 ડિગ્રી નોંધાયું હતું.જે રાજયમાં સૌથી ગરમ શહેર રહ્યું છે.આ ઉપરાંત ભુજનું તાપમાન 42.9 ડિગ્રી,કંડલા પોર્ટ પરનું તાપમાન 41 ડિગ્રી અને નલીયાનું તાપમાન 38.2 ડિગ્રી રહ્યું હતું.દક્ષિણ ગુજરાતમાં વડોદરાનું તાપમાન 43 ડિગ્રી,સુરતનું તાપમાન 41 ડિગ્રી,અને દમણનું તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું હતું.
– ઉત્તર ગુજરાતનું તાપમાન
ઉત્તર ગુજરાતમાં અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી,ડિસાનું તાપમાન 43.6 ડિગ્રી,ગાંધીનગરનું તાપમાન 43 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.8 ડિગ્રી સેલ્સીયશ નોંધાયું હતું.આગામી બે થી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ર થી 4 ડિગ્રી સુધી નીચે પટકાશે રાજયભરમાં હીટવેવના હાહાકારના કારણે શાળાનો સમય સવારે 7.30 થી 11 કલાક સુધી કરી દેવામાં આવ્યો છે.જ્યારે બપોરે 1 થી 4 બાંધકામ સાઇટ પર કામ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
– હીટવેવના કારણે રાજ્ય સરકારની તાકીદ
હીટવેવના સમયમાં બપોરે બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોય છે ત્યારે રાજકોટ જિલ્લામાં બાંધકામ સાઈટો પર ખુલ્લા તાપમાં કામ કરતા શ્રમયોગીઓને ઉનાળાના સમયમાં બપોરે 1થી 4 વિશ્રામ આપવાનું ફરમાન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી-રાજકોટ દ્વારા જારી કરવામાં આવ્યું છે.
ઉનાળાની સિઝનમાં પડતી અતિશય ગરમી અને લૂ થી મકાન અને બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમયોગીઓના સ્વાસ્થ્ય સામે જોખમ સર્જાતું હોય છે.આથી ખુલ્લી જગ્યા કે સીધો સૂર્યનો તાપ આવતો હોય તેવી સાઈટો પર કામ કરતા બાંધકામ શ્રમયોગીઓને બપોરે 1 થી 4ના સમયમાં વિશ્રામ આપવાની સૂચના બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ,કોન્ટ્રાક્ટર્સ તેમજ બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવી છે.આગામી જૂન મહિના સુધી આ વિશ્રામ ખાસ કિસ્સામાં ફાળવવાનો રહેશે અને તેને બાંધકામ શ્રમયોગીઓ માટેના નિયમ મુજબ વિશ્રામનો જ સમય ગણવાનો રહેશે.આ રીતે અપાતા વિશ્રામ સહિતનો કુલ સ્પ્રેડ ઓવર દિવસમાં 12 કલાકથી વધે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે.