સક્રિય આતંકવાદી જાવેદ મટ્ટુનો ભાઈ રઈસ મટ્ટુ સ્વતંત્રતા દિવસ પહેલા તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો. જાવિદ મટ્ટુ, જેને ફૈઝલ/સાકિબ/મુસૈબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો સક્રિય આતંકવાદી છે.સુરક્ષા એજન્સીઓની યાદીમાં તે ઘાટીના ટોચના 10 ટાર્ગેટ્સમાંનો એક હતો.
રઈસ મટ્ટૂએ કહ્યું કે કોઈનું દબાણ નથી અને આ ઈશારો તેના દિલમાંથી આવ્યો છે. તેણે પોતાના ભાઈને પણ પાછા આવવા વિનંતી કરી અને આગ્રહ કર્યો કે વિકાસ થઈ રહ્યો છે. પાકિસ્તાનની ટીકા કરતા તેમણે કહ્યું કે અમે ભારતીય હતા અને હંમેશા રહીશું.
રઈસ મટ્ટુએ કહ્યું, “મેં દિલથી ત્રિરંગો ફરકાવ્યો. કોઈનું દબાણ નહોતું… સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા, હમ બૂલબૂલે હૈ ઉસકે યે ગુલિસ્તાન હમારા. વિકાસ હો રહા હૈ. પહેલીવાર હું મારા ઘરે બેઠો છું. 14મી ઓગસ્ટે દુકાન 2-3 દિવસ બંધ રહેતી હતી. અગાઉના રાજકીય પક્ષો રમત રમી રહ્યા હતા. મારો ભાઈ 2009માં આતંકવાદી બન્યો, તે પછી અમને તેના વિશે કંઈ ખબર નથી. જો તે જીવતો હોય તો હું તેને પાછો આવવા વિનંતી કરું છું. પરિસ્થિતિ બદલાઈ ગઈ છે પાકિસ્તાન કશું કરી શકે નહીં. અમે ભારતીય છીએ, છીએ અને રહીશું.
હિઝબુલ મુજાહિદ્દીનના અન્ય એક સક્રિય આતંકવાદી મુદસ્સીર હુસૈનના પરિવારે પણ રવિવારે જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડના સરહદી જિલ્લામાં તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. હુસૈનના પરિવારે ખુલાસો કર્યો કે તેમણે સ્વતંત્રતા દિવસ પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગ રૂપે ત્રિરંગો ફરકાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે મેગા હર ઘર તિરંગા રેલીઓ કાઢવામાં આવી છે. આ રેલીઓમાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. આ રેલીઓનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરના દરેક ઘરમાં દેશભક્તિ અને રાષ્ટ્રવાદની ભાવના કેળવવાનો છે.
જમ્મૂ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સંબોધન કરતાં કહ્યું, “જમ્મૂ-કાશ્મીરના યુવાનો 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવાના PMના વિઝનને પૂર્ણ કરવા માટે આગળ વધી રહ્યા છે અને જ્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બનશે, જમ્મૂ-કાશ્મીરનું યોગદાન અન્ય રાજ્યોની બરાબર હશે.