PM નરેન્દ્ર મોદીએ દેશના 77મા સ્વતંત્રતા દિવસ પર મંગળવારે મહિલા સ્વ-સહાય ગૃપોની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનું સ્વપ્ન બે કરોડ ‘લખપતિ દીદી’ બનાવવાનું છે. 77માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાએથી બોલતા પીએમ મોદીએ કહ્યું, “આપણી દીકરીઓ પર કોઈ અત્યાચાર ન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી દરેકની છે.”
તેમણે કહ્યું, “દેશમાં બે કરોડ ‘લખપતિ દીદી’ બનાવવાનું મારું સપનું છે.” વડાપ્રધાને કહ્યું, “આજે 10 કરોડ મહિલાઓ મહિલા સ્વ-સહાય સમૂહ સાથે જોડાયેલી છે.” PM મોદીએ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા સ્વતંત્રતા દિવસના તેમના છેલ્લા ભાષણની શરૂઆત “મારા પ્રિય 140 કરોડ પરિવારના સભ્યો” સાથે કરી હતી. સમગ્ર ભાષણમાં તેમણે દેશની જનતાને ‘પરિવારજન’ કહીને સંબોધ્યા. જણાવી દઈએ કે, વડાપ્રધાન તરીકે સતત 10મી વખત સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે મોદીએ એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક નિષ્ણાતો કહી રહ્યા છે કે ભારત હવે અટકશે નહીં.
તેમણે કહ્યું કે તમામ રેટિંગ એજન્સીઓ દેશની પ્રશંસા કરી રહી છે. મંગળવારે વહેલી સવારે, વડા પ્રધાને દેશના 77મા સ્વતંત્રતા દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના સપનાને સાકાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.