ગુજરાત આમ આદમી પાર્ટીમાં મહિલા વિંગમાં મહત્વની જવાબદારી સંભાળતા અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટો ચહેરો બનેલા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કરી લીધા છે. રેશ્માએ ચિંતન સાથે જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી કરાવી છે.
આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ વિવાહબંધનથી જોડાયા છે, તેમણે ગોંડલના ચિંતન સોજીત્રા નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે. રેશ્મા પટેલ વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. આ પછી તેઓ રાજકારણમાં જોડાયા હતા અને હવે તેઓ લગ્નબંધનમાં બંધાયા છે. ચિંતન સાથે લગ્ન કર્યા બાદ રેશ્મા પટેલે પતિ સાથેની તસવીરો પણ શેર કરી છે. સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં રેશ્મા પટેલે ખુશી વ્યક્ત કરી છે.
ગોંડલના ચિંતન સોજીત્રા સાથે રેશ્મા પટેલે જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી કરાવી છે. રેશ્માએ સોશિયલ મીડિયામાં પોતાના સમર્થકોને આ ખુશીના સમાચાર આપ્યા છે. જેમાં તેમણે પતિ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘સુર્યોદયે તો સૌ કોઈ સાથ આપે સાચું સુખ તો ત્યારે આવે ત્યારે આથમતી સાંજે હું થાકુંને તું હાથ આપે.. #જીવનસાથી, Feeling lots of love Got marriage with Chintan Sojitra’
સમાજ સેવા બાદ રાજકીય નેતા બનેલા રેશ્મા પટેલે રાજકીય કારકિર્દીની શરુઆત ભાજપમાં જોડાઈને કરી હતી, પરંતુ આ પછી તેઓ NCPમાં જોડાઈ ગયા હતા. ભાજપ નેતા હાર્દિક પટેલના સાથી રહેલા રેશ્મા પટેલે પછી NCP સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હાલ તેઓ અહીં મહિલા વિંગની જવાબદારી સંભાળી રહ્યા છે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન રેશ્મા પટેલ ઘણાં જ ચર્ચામાં રહ્યા હતા, આ દરમિયાન તેમણે પોતાના જૂના સાથી હાર્દિક પટેલ સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાયા હતા.
રાજકોટના ઉપલેટામાં જન્મેલા આપ નેતા રેશ્મા પટેલે સૌરાષ્ટ્રના જુનાગઢમાં આવેલી બહાઉદ્દીન કૉલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેઓ પાટીદાર અનામત આંદોલન દરમિયાન મુખ્ય ચહેરાઓમાંથી એક બન્યા હતા અને પાટીદાર સમાજ માટે લડાઈ લડી હતી.