રાજ્યમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. હાલ ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ થશે. ઓગસ્ટ મહિનામાં નર્મદા, ખેડા, વડોદરામાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ કરતા ઓછો વરસાદ રહ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો, જેના કારણે ખેડૂતો મૂંજવણમાં મુકાયા હતા. પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે. 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.