ભારત-ચીન સંબંધો પહેલાની સરખામણીમાં ઘણા સુધર્યા છે. અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનની મુલાકાત લીધી હતી. હવે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી 26-27 જાન્યુઆરીએ ચીનની બે દિવસીય મુલાકાતે જઇ રહ્યા છે અને બેઇજિંગમાં બંને દેશો વચ્ચે વિદેશ સચિવની બેઠકમાં ભાગ લેશે.
બેઠકના એજન્ડામાં કૈલાશ માનસરોવર યાત્રાનો માર્ગ ફરીથી ખોલવા સહીતના વિષયો સામેલ છે
વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દ્વિપક્ષીય પદ્ધતિની પુનઃશરૂઆત નેતૃત્વ સ્તરે થયેલા કરારથી પ્રેરિત છે. તેમાં ભારત-ચીન સંબંધો માટે આગામી પગલાંઓની ચર્ચા કરાશે, જેમાં રાજકીય, આર્થિક અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, બેઠકના એજન્ડામાં કૈલાશ માનસરોવર યાત્રાનો માર્ગ ફરીથી ખોલવા અને બંને દેશો વચ્ચે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા જેવા મુખ્ય વિષયો સામેલ છે. દોઢ મહિનાથી ઓછા સમયમાં, બે ટોચના ભારતીય અધિકારીઓ બેઇજિંગમાં હશે. જેના કારણે ચીન સાથે સરહદ વિવાદ સહિત અનેક મુદ્દાઓ પર સકારાત્મક પરિણામોની અપેક્ષા છે.
સાડા ચાર વર્ષ પછી ભારતીય અને ચીની સેનાઓએ તેમના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કર્યું
ડેમચોક અને ડેપસાંગમાં સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ભારતીય અને ચીની સેનાઓએ તેમના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. લગભગ સાડા ચાર વર્ષ પછી આ પેટ્રોલિંગ ફરી શરૂ થયું છે. 23 ઓક્ટોબરના રોજ કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી, બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે.