હેડલાઈન :
- સંસદમાં આજે ગુરુવારનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહેશે
- આજે સંસદમાં વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે
- નાણામંત્રી નિર્મલા સીતારમણ નવું આવકવેરા બિલ રજૂ કરી શકે
- સંસદમાં પહેલાથી જ વકફ બિલનો વિરોધ કરી રહ્યુ છે વિપક્ષ
- સંસદમાં આજનું સત્ર તોફાની બની રહે તેવા જોવાતા અણસાર
સંસદના બજેટ સત્રમાં આજનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહેશે કારણ કે આજે સંસદમાં ‘નવું આવકવેરા બિલ’ અને વકફ બિલ પર JPC રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવી શકે જેથી આજનું સત્ર તોફાની રહે તેવી શક્યતા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ કરી શકે છે.આ બિલનો ઉદ્દેશ્ય 64 વર્ષ જૂના આવકવેરા કાયદામાં મોટા ફેરફારો કરવાનો છે.lતો વળી આજે,વકફ સુધારા બિલ માટે રચાયેલી JPCનો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે.નોંધનિય છે કે વિપક્ષે JPC બેઠકને ગેરબંધારણીય ગણાવી હતી અને તેનો સતત વિરોધ કરી રહી છે.આ કારણોસર સંસદનું આજનું સત્ર તોફાની બનવાનું છે.
– વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ થશે
JPC અધ્યક્ષ જગદંબિકા પાલે 30 જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને રિપોર્ટ સુપરત કર્યો હતો.અગાઉ 29 જાન્યુઆરીએ JPC પેનલે બહુમતીનાં આધારે આ રિપોર્ટ સ્વીકાર્યો હતો.જગદંબિકા પાલે જણાવ્યું હતું કે NDA સાંસદો દ્વારા રજૂ કરાયેલા 14 સુધારા સ્વીકારવામાં આવ્યા છે જ્યારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા તમામ સુધારા નકારી કાઢવામાં આવ્યા છે.મતદાનમાં 16 સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 10 વિપક્ષી સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું.
– નવું ટેક્સ બિલ પણ રજૂ થઈ શકે
સૂત્રો અનુસાર કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારમણ ગુરુવારે લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ કરી શકે છે.આ બિલનો ઉદ્દેશ્ય 64 વર્ષ જૂના આવકવેરા કાયદામાં મોટા ફેરફારો કરવાનો અને હાલના આવકવેરા કાયદા,1961 ના વિભાગો,કલમો અને જટિલતાઓને સરળ બનાવવા અને ઘટાડવાનો છે.એકવાર અમલમાં આવ્યા પછી આ બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદા, 1961નું સ્થાન લેશે,જે સમય જતાં અને વિવિધ સુધારાઓ પછી જટિલ બની ગયું હતું.લોકસભામાં રજૂ થનારું આ બિલ એક વ્યવસ્થિત અને સરળ આવકવેરા બિલ,2025 હશે જેમાં 536 વિભાગો અને 23 પ્રકરણોમાં તૈયાર કરાયેલ 622 પાના હશે.
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના કેન્દ્રીય બજેટ 2025 ના ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે સંસદના બજેટ સત્ર દરમિયાન એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર