લોકસભા પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 12 કલાકે 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. લોકસભા પહેલા યોજાનાર વિધાનસભા ચૂંટણી લોકસભાની હવાની દિશા નક્કી કરશે. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે. આ સાથે જ છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. રાજસ્થાનમાં 23મી નવેમ્બરે મતદાન, મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે મતદાન યોજાશે. આ તરફ 17 નવેમ્બરે મધ્યપ્રદેશમાં મતદાન યોજાશે.આ સાથે તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે. મહત્વનું છે કે, આગામી 3 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા.
મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. આ રાજ્યોમાં 16.14 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે. આ રાજ્યોમાં 60.2 લાખ મતદાતાઓ છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે તેમણે 40 દિવસમાં 5 રાજ્યોની મુલાકાત લીધી. તમામ રાજ્યોના અધિકારીઓ, પોલીસ, બેંક અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન અધિકારીઓને મળ્યા જેઓ ચૂંટણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હશે. અમે દરેકનો પ્રતિભાવ લીધો. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ રાજ્યોમાં કુલ 16.14 કરોડ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, મધ્યપ્રદેશમાં ભાજપ જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ તેલંગાણામાં સત્તા પર છે. તો મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.
વર્ષ 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા. મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો છે. અહીં લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો છે. અહીં લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો છે. રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. અહીં લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે. તો તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે શુક્રવારે રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાના નિરીક્ષકોની બેઠક બોલાવી હતી.આ બેઠકમાં 5 રાજ્યોના લગભગ 900 ચૂંટણી નિરીક્ષકો સામેલ થયા હતા.બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર અને સિક્યુરીટી ઓબ્ઝર્વર પણ હાજર રહ્યા હતા.બેઠક દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને બંને ચૂંટણી કમિશનર પણ હાજર રહ્યા હતા.