પોતાની વાણી વિલાસને લઇને હંમેશા વિવાદમાં રહેતા સ્વામી પ્રસાદ મોર્યના ફરી એકવાર બોલ બગડ્યા છે. આ પહેલીવાર નથી કે જ્યારે મૌર્યએ હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય.આ પહેલા પણ અનેક અવસરો પર સ્વામી પ્રસાદ મૌર્ય આવા નિવેદન આપીને ચર્ચામાં રહ્યા હતા. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય હિંદુ ધર્મ પર કરેલી ટિપ્પણીને લઈને ફરી એકવાર વિવાદમાં છે.
સ્વામી પ્રસાદ મૌર્યએ ગઇકાલે જંતર-મંતર ખાતે બહુજન સમાજ અધિકાર સંમેલનને સંબોધિત કરતા હિંદુ ધર્મને વિશ્વાસઘાત ગણાવ્યો હતો. મૌર્યએ મોટી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હિંદુ એક છેતરપિંડી છે. આરએસએસના વડા મોહન ભાગવતે બે વાર કહ્યું છે કે હિંદુ નામનો કોઈ ધર્મ નથી, પરંતુ તે જીવન જીવવાની રીત છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે હિંદુ નામનો કોઈ ધર્મ નથી. કોઈ ધર્મ હોતો નથી.વધુમાં ઉમેરતા મોર્ય બોલ્યા કે જ્યારે આ લોકો આવા નિવેદનો કરે છે ત્યારે ભાવનાઓને ઠેસ પહોંચતી નથી. પરંતુ જો સ્વામી પ્રસાદ મૌર્ય આવું કહે તો અશાંતિ ફેલાય છે.
તમને જણાવી દઇએ કે હાલમાં જ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ જ્ઞાનવાપીના ASI સર્વેને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે બદ્રીનાથ 8મી સદી સુધી બૌદ્ધ ધાર્મિક સ્થળ હતું અને બદ્રીનાથ મંદિર બૌદ્ધ ધાર્મિક સ્થળને નષ્ટ કર્યા બાદ બનાવવામાં આવ્યું હતું. જે બાદ રાજકારણ શરૂ થયું હતું. એટલુ જ નહિ સ્વામી પ્રસાદ મોર્ય રામચરિતમાનસ અંગે પણ વિવાદિત નિવેદન આપી ચુક્યા છે.