અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ કરવાના છે. આ અવસર પર રામ મંદિર ટ્રસ્ટે કોંગ્રેસ સહિત દેશના અનેક રાજકીય પક્ષોને આમંત્રણ મોકલ્યા હતા. પરંતુ બુધવારે જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ કે કોઈ પ્રતિનિધિમંડળ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. ત્યારથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે માત્ર કોંગ્રેસ જ નહીં, અન્ય ઘણી પાર્ટીઓએ પણ રામ મંદિર સમારોહમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.
કોંગ્રેસ રામ મંદિર કાર્યક્રમમાં ભાગ નહીં લે
કોંગ્રેસના મોટા નેતાઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર અભિષેક સમારોહમાં હાજરી આપશે નહીં. પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ જયરામ રમેશે એક પત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપી હતી. અને કહ્યું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ કહ્યું કે આ ભાજપ અને આરએસએસની ઘટના છે.
શિવસેનાએ પણ પ્રાણપ્રતિષ્ઠામાં આવવાની ના પાડી
તો આ તરફ રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કરનારાઓમાં સૌથી આઘાતજનક નામ શિવસેના (યુબીટી)નું છે. તમને જણાવી દઈએ કે શિવસેના રામ મંદિર નિર્માણ માટે સંધર્ષ કરનાર પક્ષ માંથી એક છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે પાર્ટીનો કોઈ નેતા તેમાં ભાગ લેશે નહીં. આ ભાજપનો કાર્યક્રમ છે. અને અમારો કોઈપણ કાર્યકર્તા તેમાં ભાગ લેશે નહીં.
સમાજવાદી પાર્ટીએ કહ્યુ અમે જાણીતા લોકો સાથે જ વ્યવ્હાર કરીએ છીએ
તો રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી ન આપનાર પાર્ટીઓમાં એક ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી છે. ઉલ્લેખનીય છે કે આલોક કુમાર વિશ્વ હિન્દુ પરિષદ વતી અખિલેશને આમંત્રણ આપવા ગયા હતા. પરંતુ તેમણે તે સ્વીકાર્યું ન હતું અને કહ્યું હતું કે અમે એવા કોઈ વ્યક્તિનું આમંત્રણ સ્વીકારતા નથી જેને આપણે ઓળખતા નથી. જો કે, અખિલેશે વધુમાં કહ્યું કે અમારા પ્રિય ભગવાન શ્રી રામ આવી રહ્યા છે અને તેઓ જ્યારે બોલાવશે ત્યારે અમે જઈશું.
સીપીએમ અને મમતાના પક્ષે પણ ઇન્કાર કર્યો
સીપીએમએ પણ રામમંદિરના કાર્યક્રમથી દુર રહેવાની વાત કરી છે. સીપીએમના નેતાઓ વૃંદા કરાત અને સીતારામ યેચુરીએ તેને એક ધર્મને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ ગણાવ્યો છે. તો મમતા બેનર્જી માટે આ કાર્યક્રમમાં હાજરી આપવી મુશ્કેલ છે. તેણે આ અંગે પોતાના પક્ષના નેતાઓને પણ સંકેતો આપ્યા છે.
ત્યારે હવે આ તમામ પાર્ટીએ અમાત્રણ ઠુકરાવી દેતા ભાજપે કહ્યુ કે તેઓ આવ્યા હોત તો તેમના પાપ ધોવાઇ જાત. ભાજપના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીને આ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે કોંગ્રેસ અને વિપક્ષી દળોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની રાજકીય પ્રતિષ્ઠા ખતમ થઈ ગઈ છે. તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જો તેમને સદબુધ્ધિ મળી હોત તો તેમના પાપો ધોવાઈ ગયા હોત. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસે G20 સમિટનો બહિષ્કાર કર્યો હતો. 2004 પછી 2009 સુધી કોંગ્રેસે કારગિલ વિજય દિવસનો બહિષ્કાર કર્યો હતો.