મોરબીમાં ગુજસીટોક ઉપરાંત અલગ-અલગ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી આરીફ મીર અને ઇમરાન ચાનિયાની મિલકતો સીલ કરવામાં આવી છે. આ મિલકતો આરોપીઓ દ્વારા ગેરકાયદેસર આવકમાંથી બનાવવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં પોલીસે ગુજસીટોક સહિત અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરિફ મીર અને ઇમરાન ચાનિયા વિરુદ્ધ આ સંપત્તિ સીલ કરવાનું શરું કર્યું છે. આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ હાલ ફરાર છે. ગૃહ વિભાગનો આદેશ મળતા DYSPના માર્ગદર્શન હેઠળ બંને આરોપીઓની મિલકતો જપ્ત કરી દેવાઈ છે. જણાવી દઈએ કે આરિફ અને ઇમરાન સહિત કૂલ 15 આરોપીઓની મિલકતો પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ મોરબી A ડિવિઝન પોલીસે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારથી કાર્યવાહીની શરૂઆત કરી છે. કાર્યવાહીના પ્રથમ દિવસમાં આરીફ અને ઇમરાનની 12 જેટલી મિલકતોમાં સીલ મારવામાં આવ્યાં છે. કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓના વાહન પણ જપ્ત કર્યાં છે. ઉપરાંત આરોપીઓએ પરવાના વગર ભાડે ચઢાવેલી મિલકતો વિરુદ્ધ પણ કાર્યવાહી કરીને તેને સીલ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા 15 જેટલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ તમામ આરોપીઓની કુલ 25થી પણ વધુ મિલકતો ટાંચમાં લેવાશે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા સીલ કરવામાં આવેલી મિલકતોની માહિતી જાહેર કરવામાં આવશે.