હેડલાઈન :
- વક્ફ એક્ટ અમલી બન્યા બાદ પણ વક્ફ સુધારા બિલનો વિરોધ
- જુમ્માની નમાજ બાદ કેટલાક લોકો શમશેરગંજમાં એકઠા થયા હતા
- મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો
- પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો-વાહનોને આગચંપી
- ભીડને કાબૂમાં લેતી વખત 10 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ
પશ્ચિમ બંગાળના વક્ફ એક્ટ અમલી બન્યા બાદ પહેલા જુમ્મા એટલે કે શુક્રવારે મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો હતો.દરમિયાનમાં પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોને આગ ચાંપી દીધી.તેમણે રોડ અને રેલ ટ્રાફિક પણ ખોરવી નાખ્યો.ભીડને કાબૂમાં લેતી વખતે લગભગ 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.જોકે પોલીસ અનુસાર પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
– વિરોધ કેવી રીતે હિંસક બન્યો?
પોલીસ અધિકારી મુજબ શુક્રવાર જુમ્માની નમાજ પછી કેટલાક લોકો શમશેરગંજમાં એકઠા થયા અને વક્ફ એક્ટનો વિરોધ શરૂ કર્યો.તેમણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-12 બ્લોક કરી દીધો.કેટલાક લોકોએ પોલીસ વાહન પર પથ્થરમારો કરતા વિરોધ હિંસક બન્યો જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ. બીજી તરફ માલદામાં પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેક પર ધરણા કર્યા જેના કારણે ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ. ઈસ્ટર્ન રેલવેના ફરક્કા-અઝીમગંજ સેક્શન પર પણ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
– ટ્રેનો રદ કરવી પડી
દેખાવો બાદ રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવી પડી હતી.પૂર્વીય રેલ્વેએ X પર જણાવ્યું હતું કે 11 એપ્રિલ 2025 ના રોજ પૂર્વીય રેલ્વેના અઝીમગંજ -ન્યુ ફરક્કા રૂટ પર રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી.બપોરે 2.46 વાગ્યે ધુલિયાનગંગા સ્ટેશન નજીક લગભગ 5000 લોકો રેલ્વે ટ્રેક પર બેઠા હતા.આ કારણે,કામાખ્યા પુરી એક્સપ્રેસ અને અન્ય ઘણી ટ્રેનો રસ્તામાં ફસાઈ ગઈ હતી.બરહરવા-અઝીમગંજ પેસેન્જર ટ્રેનને પણ બલ્લાલપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.રેલવે પોલીસ,જીઆરપી અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પ્રદર્શનકારીઓ સાથે વાત કરી.રેલવેએ જણાવ્યું હતું કે આ રીતે ટ્રેનો રોકવાથી મુસાફરોને ઘણી અસુવિધા થાય છે અને ટ્રેનના સમયમાં પણ વિક્ષેપ પડે છે.