હેડલાઈન :
- રાજપીપલા ખાતે “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” વિતરણ સમારોહ
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા
- રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ પ્રથમવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું
- 14 આદિજાતી જિલ્લાના 53 તાલુકાના આદિજાતિ સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ
- વડાપ્રધાન મોદીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યો : CM
- PM ના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ માટેના બજેટમાં ત્રણ ગણો વધારો : CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રાજપીપલાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક,શિક્ષણવિદ અને આદિવાસીઓના કલ્યાણને આજીવન સમર્પિત સ્વ.રત્નસિંહજી મહિડાની સ્મૃતિમાં રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડથી બે વ્યક્તિ વિશેષનું સન્માન કર્યું હતું.આ વર્ષથી રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ પ્રથમવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રથમ એવોર્ડ સન્માન બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટી વિશાખાપટ્ટનમના પ્રથમ મહિલા આદિવાસી વાઈસ ચાન્સેલર ડો. એસ. પ્રસન્નાને એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માન અર્પણ કરતા સ્વર્ગીય રત્નસિંહ મહિડાની આદિવાસી કલ્યાણ અને શિક્ષણ માટેની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રસંશા કરી કરી હતી.તેમણે કહ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના 150મા જન્મ જયંતિ વર્ષે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના આ વર્ષમાં આ એવોર્ડની શરૂઆત એક સંયોગ છે.મુખ્યમંત્રીએ સ્વ.રત્નસિંહજી મહિડાના આ વારસાને આગળ ધપાવતા તેમના પૌત્રી વિરાજકુમારી મહિડાને પણ બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે,સ્વ.રત્નસિંહજી મહિડાએ શિક્ષણ દ્વારા આદિવાસીઓને સમાજના મુખ્યપ્રવાહમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને શિક્ષણનો સેવાયજ્ઞ વર્ષ 1957 માં ભરૂચ જિલ્લામાં આદિવાસી સેવા સંઘની સ્થાપનાથી શરૂ કર્યો હતો.
બાલવાટિકાથી માંડી કોલેજ સુધીની 72 જેટલી શિક્ષણ સંસ્થાઓ તેમણે કાર્યરત કરી હતી.તેમની આ મહેનતથી આદિવાસી અને છેવાડાના વંચિત લોકો માટે શિક્ષણની નવી તકો ઊભી થઈ.સ્વ.રત્નસિંહજીના સમર્પણ અને અવિરત સેવા કાર્યથી આ સમગ્ર પ્રદેશમાં આદિવાસી સમાજના સશક્તિકરણનો પાયો નંખાયો જેના પરિણામે અસંખ્ય લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન થયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ અને સમુચિત ઉત્કર્ષ માટેના પરિણામદાયી પ્રયાસો પાછલા દશકમાં થયાછે તેની ભૂમિકા આ એવોર્ડ અર્પણ કરતા આપી હતી.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,આદિજાતિ કલ્યાણના બજેટમાં ત્રણ ગણો વધારો કરવા સાથે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં 63 હજાર ગામોમાં સામાજિક માળખાકીય સુવિધાઓને વેગ આપ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે,ગુજરાતમાં પણ વડાપ્રધાનના દિશા દર્શનમાં 14 આદિજાતિ જિલ્લાના 53 તાલુકામાં આદિવાસી સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યો છે.આદિવાસી વિસ્તારના યુવાનોને ઘર આંગણે સ્કિલ બેઝ,વોકેશનલ,ટેકનિકલ તથા ટ્રાયબલ આર્ટ અને કલ્ચરનું ઉચ્ચ શિક્ષણ આપવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રાજપીપલામાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી શરૂ થઈ છે.આદિજાતિ વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં માત્ર શિક્ષણની યોજનાઓ માટે વધારાના 3300 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે,વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન આપનાર આદિવાસી સમાજના વ્યક્તિઓને પુરસ્કારથી સન્માનવાનો આ ઉપક્રમ આદિજાતિ ઉત્કર્ષની નવી પ્રેરણા પુરી પાડશે.આ વર્ષે પ્રથમ મેમોરિયલ એવોર્ડ પણ સ્વ.રત્નસિંહજીના આદિજાતિના શિક્ષણના પ્રયાસોને વેગ આપનાર શિક્ષણ સેવા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને મળ્યો છે,જે આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે,રાજપીપલાની આ પાવન ભૂમિ છે.એક સમયે મીની કાશ્મિર ગણાતા રાજપીપલામાં ગુજરાતી-ભોજપુરી ફિલ્મોનું પણ શુટીંગ થતું હતું.રાજપીપલાની ભૂમિને ઉજાગર કરવા માટે તે વખતના મહારાજા સાહેબનો પણ સિંહફાળો રહ્યો છે.જેમણે પણ આદિવાસી સમાજને ધ્યાનમાં રાખી શિક્ષણને પાધાન્ય આપ્યું હતું.નર્મદા સહિત ભરૂચ જિલ્લામાં સ્કૂલ,કોલેજો અને અન્ય સરકારી કચેરીઓ હાલમાં પણ મહારાજા તરફથી ભેટમાં મળેલા મકાનોમાં ચાલી રહી છે.એક સમયે શિક્ષણનું હબ બનેલું રાજપીપલા મિનિ વિદ્યાનગર પણ કહેવાતું હતું.જેને સ્વ.રત્નસિંહજી મહેડાએ પ્રસ્થાપિત કરી આગળ ધપાવ્યું હતું.આદિવાસી સમાજમાં જાગૃતિ માટે પાયાના શિક્ષણથી લઈને અનેક ક્ષેત્રે અવિરત કાર્ય કરી અમૂલ્ય યોગદાન આપ્યું હતું.તેમના પૌત્રી વિરાજ કુમારીને અભિનંદન પાઠવી તેમના દાદાના કાર્યને બિરદાવવા માટે સ્થાપિત કરેલા આ ભગીરથ કાર્યની સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનિત થયેલા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલાના કુલપતિ ડો. મધુકર પાડવી અને આંધ્રા યુનિવર્સિટી-વિશાખાપટ્ટનમના ડો.એસ પ્રશન્ના શ્રીએ પણ પોતાના પ્રતિભાવો પ્રસ્તુત કર્યા હતા.રાજપીપલામાં રહેતા અને વિવિધ ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદાન કરી જિલ્લાનું નામ રોશન કરનાર પાંચ વિશિષ્ટ નાગરિકોને પણ ઓએનજીસીના સહયોગથી સન્માનિત કરવામાં આવ્યા હતા.